શનિવારે ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે દેશના બેરોજગાર યુવાનો અંગે એક નિવેદન આપ્યું હતું. તેમની એ ટિપ્પણીને કારણે યુવા પેઢી એટલે કે જેન-ઝીમાં તથા મીડિયામાં કામ કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ટીવી ન્યૂઝ ચેનલોમાં આવતી ડીબેટમાં ને સોશ્યલ મીડિયામાં આવતી રીલ્સમાં જનતાએ ટીકા કરી. બાદમાં CJI સૂર્યકાંતને સ્પષ્ટીકરણ કર્યું કે તેઓ ભારતીય યુવાનોનું સમ્માન કરે છે અને તેમનું આ નિવેદન નકલી ડિગ્રી ધારણ કરી વકીલાત કે અન્ય વ્યવસાયમાં રહેલ લોકો માટે હતું.
આ પરિસ્થિતિમાં ‘મોકે પે ચૌકા’ મારતી એક વ્યક્તિ કૂદી પડી. યુએસમાં રહેતા અભિજીત નામના વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર CJIના નિવેદન સંબંધિત એક ઓનલાઈન પોલિટીકલ પાર્ટી બનાવી અને નામ રાખ્યું ‘કોક્રોચ જનતા પાર્ટી’ (CJP). આ પ્લેટફોર્મના માધ્યમથી CJIના કોક્રોચ અંગેના નિવેદન વિરુદ્ધ ઉગ્ર વિરોધ દેખાડવામાં આવ્યો. રાતોરાત આ પાર્ટીના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મસ પર ફોલોઅર્સ વધવા લાગ્યા. અભિજીત મુખ્યત્વે જેન-ઝી યુઝર્સ માટે અને તેને અનરુપ પદ્ધતિથી દેશમાં રહેલી સમસ્યાઓને CJPના માધ્યમથી શેર કરે છે. કોક્રોચ જનતા પાર્ટીનું પ્રતીક પણ બનાવવામાં આવ્યું, જેમાં ફોન અને તેની સ્ક્રીન પર કોક્રોચ દર્શાવવમાં આવ્યું છે. આ ઓનલાઈન પાર્ટીએ ઓનલાઈન મેનિફેસ્ટો પણ બહાર પાડ્યો. ભારતના ચીફ જસ્ટિસને તેમના નિવૃત્તિ દરમિયાન રાજ્યસભાના સભ્ય તરીકે પસંદ ન કરવા, લોકસભામાં સંખ્યા ન વધારીને મહિલા આરક્ષણ 33% નહીં, પરંતુ 50% અને મંત્રીમંડળમાં પણ 50% રાખવું, ગોદી મીડિયા એન્કર્સના બેંક અકાઉન્ટ્સ તપાસવા અને અદાણી-અંબાણી દ્વારા કથિત રીતે ચલાવાતા મીડિયા હાઉસના લાયસન્સ રદ કરવા જેવા હેતુઓનો આ મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
દેશના બંધારણ પ્રત્યે જવાબદારી નિભાવતા અને સર્વોચ્ચ પદ પર રહેલા વ્યક્તિ તરફથી યુવા વિરોધી વિચારો સામે આવે ત્યારે સ્વાભાવિક છે કે લોકો નારાજગી વ્યક્ત કરે. એમાં પણ જેન-ઝી તેનો બળાપો સોશ્યલ મીડિયા પર કાઢે. તેવા આજના યુવાનો દેશમાં શું ચાલી રહ્યું છે, સારું કે ખરાબ તે દર્શાવવું જરુરી બને છે. પરંતુ અહીં સવાલ એ થાય કે આવી ઓનલાઈન પદ્ધતિથી રાજકારણ ચલાવીને શું વળવાનું? CJPના સ્થાપક વિદેશમાં બેઠા છે. ત્યાંથી તેઓ ભારતના રાજકારણમાં રસ ધરાવે છે, ભારતના વિકાસ માટે કાર્યરત રહેવાની ઈચ્છા પ્રગટ કરી રહ્યા છે. અગાઉ તેમણે આમઆદમી પાર્ટી સાથે કામ કરેલ છે. તેમણે કોક્રોચ જનતા પાર્ટીનું એક ઓનલાઈન ફોર્મ છે, જેમાં માહિતી મૂકનાર લોકો તથા CJPને સોશ્યલ મીડિયા પર ફોલો કરતી જેન-ઝી તેની પાર્ટીના કાર્યકર્તાઓ કે પછી સહાયકો છે. જોકે કોક્રોચ જનતા પાર્ટી સાથે જોડાવવા માટે અમુક માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે. પહેલું તમે બેરોજગાર હોવા જોઈએ, બીજું તમે આળસું હોવા જોઈએ. ભાજપ સિવાય કોઈપણ રાજકીય પાર્ટીની વિચારધારા ધરાવતા લોકો પ્રવેશ મેળવી શકે છે.
ભાવનાત્મક વલણો દ્વારા સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓને ઓનલાઈન ભેગા કરીને દેશનો ડંકો ક્યાંય વાગવાનો નથી. ભ્રષ્ટાચાર, બેરોજગારી, અન્યાય સામે લડવા માટે, સુધારો લાવવા માટે પાયાના સ્તરે કામ કરવું પડે. ગામો, શહેરોની ભૂમિ પર ઉતરીને, લોકો સાથે જોડાઈને તેમની મુશ્કેલીઓને સમજવી પડે. યુવાનોની ભાવના સાથે રમત રમી, ખાલી ને ખાલી નકારાત્મક પહેલુઓ તરફ વિવાદ ઊભો કરીને દેશનો વિકાસ રુંધાઈ જશે. જોકે જેન-ઝી કોમ્યુનિટી સ્માર્ટ કોમ્યુનિટી છે, તે અવશ્ય તમામ પાસાને જાણીને પોતાનો સમય અને કિંમતી મત ફાળવશે.


Comments
Post a Comment