સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલ્કર


31 MAY, 2025:

છેલ્લા કેટલાક વર્ષોથી આપણને એક વાત કળાઈ રહી છે કે સનાતન ધર્મની રક્ષા કરવી તે આપણા અસ્તિત્વ અને સંતુલિત જીવન માટેની તાતી જરૂરિયાત છે. રામમંદિરના પુનઃનિર્માણ વખતે સૌએ સફળતાની અને ગૌરવની લાગણી અનુભવી હતી. તે કાર્ય હાથ ધરવા પાછળ સરકાર અને ન્યાયપાલિકા ઉપરાંત અનેક ધાર્મિક નેતાઓ અને સેવાકર્મીઓનો ફાળો રહ્યો. પણ આવું જ કાર્ય આજથી 300 વર્ષ પહેલાં ભારત ભૂમિમાં જન્મ લેનાર, નીડર નારી 'અહિલ્યાબાઈ હોલ્કર' દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. 31 મે, 1725 (વિક્રમ સંવત 1782), ભારતનાં મહારાષ્ટ્ર રાજ્યના ચોંડી ગામમાં તેમનો જન્મ થયો. સ્ત્રીઓ શિક્ષણથી વંચિત રહેતી તેવા સમયે પિતા માનકોજી શિંદે અને માતા સુશીલા બાઈએ પુત્રી અહિલ્યાને વિદ્યારૂપ જીવવની મશાલ આપી અને અહિલ્યાબાઇનું તેજસ્વી ચારિત્ર્ય ઘડતર પ્રતીત થયું. તેમની પ્રતિભાથી પ્રસન્ન થઇ મરાઠા સામ્રાજ્ય મેવાળના રાજા મલ્હારરાવ હોલ્કરે અહિલ્યાબાઇના વિવાહ તેના પુત્ર ખંડેરાવ હોલ્કર સાથે કરવાનો નિષ્ચય કર્યો. લગ્નના સમય દરમિયાન અહલ્યાબાઈ માત્ર આઠ-દસ વર્ષના જ હતા. એકદમ સાધારણ અને મધ્યમ વર્ગીય પરિવારમાંથી રાજ-કાજની દુનિયામાં જનાર અહિલ્યાબાઇ અતિ કઠિન રાજકીય મુશ્કેલીઓનો પણ તુરંત ઉપાય કરી બતાવતા. રાજા મલ્હારરાવે પણ તેમના પુત્રની સાથે સાથે પુત્રી સમાન અહિલ્યાને તાલિમ આપી અને બહાદુર યોદ્ધા બનાવી. 

સુખી વૈવાહિક જીવનના વીસ વર્ષ બાદ અહિલ્યાબાઇના ભાગ્યમાં વિધવા જીવન લખાયેલ હતું. વર્ષ 1754માં કુંભે યુદ્ધ દરમિયાન તેમના પતિ ખંડેરાવનું નિધન થયું. તે સમયે ચાલતી સતી પ્રથા મુજબ અહિલ્યાબાઈ તો પોતાને પણ મુર્ત્યુની આગમાં હોમી દેવા તૈયાર હતા પરંતુ રાજા મલ્હારરાવ હોલ્કરે ભારતની આ શક્તિને આગની રાખમાં ભસ્મ થતાં રોક્યા. પુત્ર ખંડેરાવના મૃત્યુ બાદ તેમણે અહિલ્યાબાઇને અનેક જવાબદારીઓ સોંપી. યુદ્ધ જેવા ગંભીર સમય દરમિયાન રાજા મલ્હારરાવને લખેલ સંદેશ પત્રો પરથી અહિલ્યાબાઇની દુશ્મનો સામે વીરતાપૂર્ણ લડત આપવાની કુશળતા, સમજ અને રાષ્ટ્રીય શૌર્યની ભાવના પુરવાર થાય છે. વર્ષ 1766માં રાજા મલ્હારરાવ હોલ્કરનું પણ મૃત્યુ નીપજ્યું. ત્યારબાદ અહિલ્યાબાઇના પુત્ર માલેરાવને રાજગાદી સોંપવામાં આવી પરંતુ ગંભીર બીમારી હોવાથી માલેરાવ વધુ જીવી શક્યા નહીં. અહિલ્યાબાઇએ તેમના જીવનના અંગરૂપી દરેક વ્યક્તિઓને મોતના કાળમાં વિનાશ પામતા જોયા. અહિલ્યાબાઇના આવા અંધકારમય જીવનમાં શિવ-ભક્તિની જ્યોતએ તેમને બમણી શક્તિ આપી અને વર્ષ 1967માં તેઓ ઔપચારિક રૂપે માળવાની મહારાણી બન્યા અને સામ્રાજ્યની જવાબદારી દર્શાવતું તિલક લલાટે ધારણ કર્યું. 

"ભારતીય ઇતિહાસ અને સનાતન ધર્મમાં અગત્યનું યોગદાન અહિલ્યાબાઇએ આપેલ છે અને એ પણ તેવા સમયે જયારે દેશની આસ્થાને આંચ આવે તેમ હતી, દેશનો ધર્મ કચડાઈ જવાની કગાર પર હતો, દુશ્મનોએ દેશની પ્રજામાં લૂંટ અને સામ્રાજ્યોમાં તોડફોડ મચાવી હતી."

અહિલ્યાબાઇના નેતૃત્વ હેઠળ સમાજમાં અનેક પરિવર્તનો આવ્યા. જન્મભૂમિ મહારાષ્ટ્ર રહી પણ કર્મભૂમિ તો સમગ્ર દેશ કહી શકાય. તેમના સામ્રાજ્યની રાજધાની મહેશ્વર અને વસવાટ નર્મદા તટ પર રહ્યો છે. અહિલ્યાબાઇના રાજકીયકાળ દરમિયાન મહેશ્વર કલા, સંગીત અને સાહિત્યનું કેન્દ્ર રહ્યું હતું. તેમણે મહેશ્વરમાં કાપડ ઉદ્યોગનો પાયો નાખ્યો, જેની સાડી આજે પણ વખણાય છે. આ ઉપરાંત તેમણે અનેક ઘાટ, કૂવાઓ, માર્ગ સુવિધાઓ, અન્ન ક્ષેત્રોનું બાંધકામ કરાવ્યું. મહત્તમ રોજગારી ઉભી કરી, ગરીબી હટાવી અને સાક્ષરતાનું પ્રમાણ પણ વધાર્યું. ખાસ કરીને સ્ત્રીઓને આત્મનિર્ભર થવા પ્રેરણા આપી. આટલું જ નહીં, સામ્રાજ્યમાં શિસ્તબદ્ધ કામગીરી માટે કોર્ટ ઉભી કરી. અહિલ્યાબાઇને લોકોસેવા માટે ખૂબ જાણીતા હતા અને લોકો તેમને પુણ્યશ્લોક તરીકે ઓળખતા. પુણ્યશ્લોક અર્થાત પવિત્ર ચારિત્ર્ય ધરાવનાર. લોકો તેમને દેવી સ્વરૂપે પણ માનતાં. ભારતીય ઇતિહાસ અને સનાતન ધર્મમાં અગત્યનું યોગદાન અહિલ્યાબાઇએ આપેલ છે અને એ પણ તેવા સમયે જયારે દેશની આસ્થાને આંચ આવે તેમ હતી, દેશનો ધર્મ કચડાઈ જવાની કગાર પર હતો, દુશ્મનોએ દેશની પ્રજામાં લૂંટ અને સામ્રાજ્યોમાં તોડફોડ મચાવી હતી. મુઘલોનાં આક્રમણોએ હિન્દુ ધર્મના કેટલાય પવિત્ર સ્થળો અને મંદિરોને નષ્ટ કર્યા હતા. તે મંદિરોને ફરી સ્થાપિત કરવાની જહેમત અહિલ્યાબાઇએ ઉઠાવી હતી. પછી તે સોમનાથ મંદિર હોય કે ઓમકારેશ્વર મંદિર, કાશી વિશ્વનાથ મંદિર કે બદ્રીનાથ-કેદારનાથ મંદિર, ભારતમાં ઠેર-ઠેર તેમણે ધ્વસ્ત થયેલ મંદિરોને ફરી ઉભા કર્યા છે. ઔરંઝેબનાં કબ્જામાંથી કાશી વિશ્વનાથ મંદિરને મુક્ત કરાવી માત્ર ત્રણ વર્ષમાં જ તેનું ફરી નિર્માણ કરાવ્યું હતું. તેથી જ આજે પણ ત્યાં મુખ્ય મંદિર રાની અહિલ્યાબાઇનું જોવા મળે છે. ભારતમાં હજારો મંદિરોનો જીણોદ્ધાર અને સ્થાપનાનું શ્રેય અહિલ્યાબાઇ અને તેના પ્રેરણાદાયી જીવનને જાય છે. હાલ પાકિસ્તાનના પેશાવરમાં પણ અહિલ્યાબાઇ દ્વારા બનાવવામાં આવેલ મંદિર સ્થિત છે. પણ ભારતના ભાગલાં બાદ હવે આજે તે સ્થળ મંદિર નહીં પણ ખંડહરની હાલતમાં જોવા મળે છે. અહિલ્યાબાઇ હોલ્કર 28 વર્ષ સુધી (વર્ષ 1795 સુધી) મેવાળની મહિલા શાશક રહી અને મેવાળ સહિત સમગ્ર ભારતભૂમિને સામાજિક અને ધાર્મિક ઉદ્ધારતાથી પવિત્ર બનાવી. 

આજે પણ મહેશ્વર કિલ્લાનો મુખ્ય દ્વાર 'અહિલ્યા દ્વાર' નામક છે. મહારાષ્ટ્રના પુણે શહેરમાં તેમનાં નામે યુનિવર્સીટીઓની સ્થાપના કરવામાં આવી છે અને ઇન્દોર એરપોર્ટ પણ દેવી અહિલ્યાબાઈ હોલ્કર નામે છે. અહિલ્યાબાઇ પર અનેક પુસ્તકો અને મૂવી-સિરીઝ ઉપલબ્ધ છે. અહિલ્યાબાઇનું જીવન, તે સમય જેટલું આજે પણ પ્રેરક રહ્યું છે. આજે એટલે કે 31 મે, અહિલ્યાબાઇ હોલ્કરની 300મી જન્મ જયંતિ નિમિત્તે તેમને વંદન કરીએ અને તેમના કાર્યોને વધુમાં વધુ જાણીએ અને આગળ ધપાવીએ, તે ખરારૂપે આજના દિવસની ઉજવણી થશે...

ખાસ - ખબર NEWS 


Comments

Popular Posts