નમન નારદમુનિને !
'નારાયણ , નારાયણ ...' આવું કાને સાંભળતાની સાથે જ આપણા મગજમાં લાંબી ચોટલીવાળા ને તાનપુરા હાથમાં લઈને ફરતા નારદમુનિ સામે આવે. હા એ તો ખરું કે તેમનો આ વેશ અને હાથમાં ધારણ કરેલ 'મહાથી' એટલે કે તેમનું તાનપુરા એમની ઓળખાણ છે, પરંતુ આ ઉપરાંત પણ તેમની એક પહેચાન છે જે ખુબ ઓછા લોકોને ખબર હશે. દુઃખદ વાત તો એ છે કે આપણે અહીં નારદમુનિને તો ટીવી સીરીઅલમાં આવતા સાસ-બહુની જેમ જોઈએ છીએ. બીજાના જીવનમાં આગ લગાડવામાં માટે અમુક નાહકો એકની વાત બીજાને ને બીજાની વાત ત્રીજાને કરતાં હોય છે અને આપણે?! આપણે તેવા લોકોને કહીએ છીએ કે, 'શું નારદમુનિ બને છે!' અમુક શબ્દો એવા હોય છે ને કે જેમાં સમય જતા થોડો બદલાવ આવે છે એટલે કે શબ્દનું અપભ્રંશ થાય છે પણ અહીં તો આપણે એક આખાં પવિત્ર અને પ્રેરણાદાયક વ્યક્તિત્વને જ આપણા જીવનની સમજમાં અને આપણી સમકાલીન ભારતીય સંસ્કૃતિમાં ખોટી રીતે જોઈએ છીએ. આજનો નારદ જયંતીનો દિવસ અતિ શુભ છે લોકોની આ ગેરસમજણ દૂર કરવા માટે.
બ્રહ્માના પુત્ર નારદના ઉલ્લેખ તો રામાયણ - મહાભારત અને જૈન ધર્મમાં પણ રહેલા છે. તે સમયનું આ પ્રભાવશાળી વ્યક્તિત્વ આજની સદીમાં પણ રેલેવન્ટ રહે છે. થોડા સમય પેહલા જ જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને પત્રકાર વિવેક અગ્નિહોત્રીનો વિડિઓ સાંભળતા ખ્યાલ પડયો કે દુનિયાના સર્વપ્રથમ જો કોઈ પત્રકાર હોય તે એ નારદમુનિ! આપણે અત્યારે કહીએ કે નારદમુનિ એક ની વાત બીજાને કહેતા પણ એ 'સત્યપ્રિયવચન' એટલે કે જે યથાર્થ વાત છે તેનો જ પ્રચાર કરતા. આ હતું સમાજને જોડી રાખવાનું અને વિભિન્નતા હોવા છતાં તેને એક રાખવાનું દાયત્વ ને કર્તવ્ય જે એક પત્રકારીતાનો બહુ અગત્યનો સિદ્ધાંત છે. લોકોના વિચારો અને વિગતો ફેલાવવાની સાથે - સાથે તેઓ ખોટી અને નકામી કથાઓ, બાબતો, વ્યવહારોને નાબૂદ કરતા જેથી સમાજ શુદ્ધ આચરણ ધરાવે અને એક ઉચ્ચ સ્તર પર સ્થાપિત થાય. અહીં આ તરફ આપણા આજના પત્રકારોને જોય લો! AC ઑફિસમાં બેઠાં-બેઠાં પૈસા, પોલિટિક્સ, પાવર, પાખંડીઓના તમાશા ને સેલિબ્રિટીઝના જલવા વિશે બરાડા નાખશે. આજ-કાલના પત્રકારો TRPના ચકડોળમાં એવા ફસાયા છે કે મૂળ પત્રકારિતાને ભૂલી જ ગયા છે. સાચી પત્રકારિતા તો એને કહેવાય કે જે આતંકવાદ ને યુધ્ધો નહિ પણ આપણા દેશની અનેરી કથાઓ ને યુગપુરુષો વિશે લોકોને ઉજાગર કરે, સાચો પત્રકાર તો એને કહેવાય જે પોતાના માન-પ્રતિષ્ઠા કરતાં દેશની પ્રગતિને લગતાં મહત્વનાં પરિબળોને સમાજ સમક્ષ રજૂ કરી તેને મજબૂત બનાવવા માટે પહેલા પ્રાધાન્ય આપે.
પત્રકારત્વ તો દરેક લોકોના જીવનનું એક અભિન્ન અંગ હોય છે મતલબ દરેક લોકો કોઈ ના કોઈ રીતે રોજિંદા જીવનમાં સમાચારો, આસપાસની ખબરો જાણે છે અને અન્ય લોકો સુધી પહોંચાડે છે. કોઈ સીધા સંવાદ રૂપે, કોઈ તો સાચાં - ખોટા સમાચારો આપણને વૉટ્સએપ યુનિવર્સીટીમાંથી જ મળી જતા હૉય છે. આમ તો જોકે ખોટી વિગતોને ક્યારેય સમાચાર નામ ના આપી શકાય પરંતુ આજના સમયમાં તો આ પણ ચાલે જ છે. મોટા-મોટા ટીવી ચૅનલોવાળા અને અખબારોવાળા જે કઈ પણ છાપે તેનો પ્રજા વિશ્વાસ કરી લે છે. તે કરે જ ને કેમકે હવે તો journalistsની સાથે સાથે 'fact checkers' પણ કામે લાગી ગયેલ હોય છે પણ સવાલ તો એવો ઉભો થાય કે આ fact checkersને કોણ check કરશે?
જો ભારતનો પત્રકાર જ પત્રકારિત્વ ધર્મ ભૂલી જશે તો પતન થશે આ સમાજનું! પત્રકારિતા તો દેશનો ચોથો સ્તંભ છે અને તે અન્ય ત્રણ સ્તંભો જેટલો જ સમાન અને મહત્વપૂર્ણ છે. આપણા દેશમાં હજુ પણ આ ક્ષેત્રને બીજા ક્ષેત્રોની જેમ અગત્યનું નથી માનવામાં આવતું. એક પત્રકાર જ પત્રકારિતા જગતને અને લોકોની તે અંગેની વિચારધારાને બદલી શકે છે. તે માટે ભારતને અનેક નારદની જરૂર છે જે મહાથીરૂપી કલમ પકડી નારદમુનિના રસ્તા પર ચાલે, ખરેખર નારદમુનિની જેમ મૂલ્યવાન રહે ને સિદ્ધાંતોનો સાથ ક્યારેય ના છોડે. તો આજના આ દિવસે નારદમુનિને વંદન કરીએ અને લોકોને ઉજાગર કરીએ; તે જ સર્વશ્રેષ્ઠ નારાયણ-ધર્મ રહેશે.
ખાસ - ખબર E-NEWS




Comments
Post a Comment