ધ સિક્રેટ ઑફ શિલેદાર્સ


વિકેન્ડ આવે એટલે આપણા સૌનું વૉચલિસ્ટ સ્ક્રોલ થવા લાગે, આજે કઈ મૂવી કે વેબસીરીઝ જોવી? આમ તો જોકે IPL સીઝન ચાલે છે એટલે મોટાભાગના લોકોએ જીઓ હોટસ્ટાર પ્રીમિયમ તો લઈને રાખ્યું જ હશે. આ જ ઓટીટી પ્લેટફોર્મ પર એક ખૂબ જ સરસ સીરીઝ આ વર્ષે જ રિલીઝ થઇ- ધ સિક્રેટ ઑફ શિલેદાર્સ. ઐતિહાસિક અને રહસ્યમય કથાઓમાં રસ ધરાવતાં લોકોને આ સિરીઝ ખાસ પસંદ પડશે. 30-40 મિનિટ જેટલા 6 ઍપિસોડ્સ છે, જેમાં ભારતના યોદ્ધા શિવાજી મહારાજના અમુક તથ્યોને આધારિત સુઘડ કાલ્પનિક કહાની પ્રસ્તુત કરવામાં આવી છે. 

આદિત્ય સરપોતદાર દિગ્દર્શિત(મુંજીયા ફિલ્મ નિર્દેશક) અને ગૌરવ અમલાણી, આશિષ વિદ્યાર્થી, સાઈ તમહાનકર, રાજીવ ખંડેલવાલ અભિનીત આ વેબસિરીઝ મરાઠી નોવેલ ‘પ્રતિપાશ્ચંદ્ર‘ આધારિત છે. વાર્તા મૂળભૂત રીતે શિલેદાર્સ નામક ગુપ્ત જૂથને આધારિત છે જેના જીવનનો ધ્યેય શિવાજી મહારાજના ખજાનાને સુરક્ષિત રાખવાનો છે. એક પછી એક રસપ્રદ પ્રસંગોની શ્રેણી ગૂઢ રહસ્યો ઉજાગર કરે છે અને અંતમાં ખજાનાની ખોજ જડે છે. આ વાર્તામાં પહેલું તો ખજાનાની સાચી વ્યાખ્યા અને બીજું જીવનનો ખરો ઉદ્દેશ્ય, આ બે બાબતો સચોટ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.


"ધ સિક્રેટ ઑફ શિલેદાર્સ સિરીઝ માણવા ને જાણવા જેવી જરૂર છે, આ પ્રકારનું ઇન્ફોટેનમેન્ટ મીડિયા કોન્ટેન્ટ જોવાથી ભારતીય સાહિત્ય અને ઇતિહાસમાં  ખાંખાંખોળા કરવાની ચાનક ચડાવી દે તેવી આ સિરીઝ છે." 


સિરીઝ દરમિયાન અમુક વાતો છે જે આપણને અનુમાનિત લાગે પણ છેલ્લા ત્રણ ઍપિસોડ્સમાં વાર્તા જબરદસ્ત વેગ પકડે છે. શિવાજીની ધરોહર અને ખજાનો સમગ્ર ભારતના વિવિધ સ્થળો સાથે સંકળાયેલ છે. કેટલાક સંદર્ભિત તથ્યો પણ મૂકેલા જેમકે, યોદ્ધાઓ ગુપ્ત બેઠકો કેવી રીતે કરતા, તેમની અદ્યતન સ્થાપત્ય તકનીકો, અને આવું તો ઘણું બધું! જોકે સિરીઝના કલાઈમેકસમાં કશું ખૂટતું હોય તેવું લાગે. પણ ઓવરઓલ સિરીઝ માણવા ને જાણવા જેવી જરૂર છે. આ પ્રકારનું ઇન્ફોટેનમેન્ટ મીડિયા કોન્ટેન્ટ જોવાથી ભારતીય સાહિત્ય અને ઇતિહાસમાં  ખાંખાંખોળા કરવાની ચાનક ચડાવી દે તેવી આ સિરીઝ છે.


સિરીઝનો ભાવ હૃદયસ્પર્શી છે. તેનો મુખ્ય ખ્યાલ આપણને વિચારવા મજબૂર કરે છે કે જીવનમાં આપણી વાસ્તવિક ફરજો શું છે? અને આપણે તેને ખરેખર કઈ રીતે પૂર્ણ કરીએ છીએ? જો તમે રોમ-કોમ ને ક્રાઇમ- થ્રીલરથી કંઇક હટકે જોવા માંગતા હોય તો ધ સિક્રેટ ઑફ શિલેદાર્સ સિરીઝ ચોક્ક્સપણે જોવા જેવી, ચૂકવા જેવી નહિ...


ખાસ - ખબર E-NEWS 



Comments