વિશ્વ પુસ્તક દિવસ
'પુસ્તક' - આ સાડા ત્રણ અક્ષરોનો શબ્દ આજના સમયમાં પણ કરોડો લોકોની જિંદગી સુધારી અને બચાવી જાય તેવો સધ્ધર જણાય છે. પુસ્તકો માત્ર શાળાઓની ચોપડીઓ અને દફતરોની દળદાર ફાઈલો સુધી સીમિત નથી. જગતમાં ઘણાંય લેખકો, કવિઓ અને સાહિત્યકાર છે જેમણે જ્ઞાન ને વિજ્ઞાન, રાજનીતિ ને જીવનની નીતિ, પર્યાવરણ ને જીવન-મરણની કથા, અવકાશ ને મનુષ્યની અભિલાષાઓ જેવા અનેક વિષયો અંગે તેમના અનુભવો પુસ્તકોમાં આવરી રહ્યા છે. એટલે ખરી માહિતી મેળવવા, તટસ્થ પણે કંઈક નવું જાણવા ગૂગલ બાબાના સર્ચ એન્જીન પેઇજીસના બફરીંગની રાહ ઓરવી એના કરતા પુસ્તકોના પાના ઉથેલવા વધુ યોગ્ય અને ફાયદારૂપ છે.
"રવિન્દ્રનાથ ટાગોરે કહેલું, આંખો સામે રહેતી વસ્તુઓના જ્ઞાન માટે પણ પુસ્તકો વાંચવા પડે છે."
આમ તો દરરોજ પુસ્તકનું વાંચન રાખવું જ જોઈએ તેવું શિક્ષકો અને સલાહકારો કહે જ છે પણ આજનો દિવસ જરા વિશેષ છે. 23 એપ્રિલ - વિશ્વ પુસ્તક દિવસની ઉજવણીનો હેતુ વાંચકોને પ્રોત્સાહિત કરવાનો અને લીલાછમ બગીચામાં અજ્ઞાનતાનાં કાદવમાં દટાઈ ગયેલા અમુક સૂકા તણખલાં સમાન લોકોને વાંચન પ્રવૃત્તિને રોજિંદા જીવનમાં અમલમાં મુકવાનો છે. 23 એપ્રિલના રોજ ઘણા મહાન લેખકોનો જન્મ થયો હતો અને ઘણાએ અંતિમ શ્વાસ પણ લીધા હતા. મેન્યુઅલ મેજિયા વલ્લેજો અને મૌરિસ ડૂનનો જન્મ 23 એપ્રિલના રોજ થયો હતો. જ્યારે વિલિયમ શેક્સપિયર, મિગુએલ ડી સર્વેન્ટેસ અને જોસેપ પ્લાયાનું 23 એપ્રિલના અવસાન થયું હતું. વર્ષ 1922માં સર્વાંટેસ પબ્લિશિંગ હાઉસના ડિરેક્ટર વિસેન્ટ ક્લેવેલએ ઇન્ટરનૅશનલ ડે ઑફ બૂક્સની શરૂઆત કરી હતી. તેમણે મિગુએલ ડી સર્વાંટેસનું સન્માન કરવાના વિચાર સાથે આ દિવસની ઉજવણી કરવાની વાત કહી. ત્યારબાદ વર્ષ 1926 માં બાર્સેલોનામાં પ્રથમ વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવ્યો. પહેલા 7 ઓક્ટોબર (મિગુએલ ડી સર્વાંટેસનો જન્મદિવસ) નિમિતે પુસ્તક દિનની ઉજવણી થતી હતી. પરંતુ પછીથી તેમના મૃત્યુનો દિવસ એટલે કે 23 અપ્રિલને પુસ્તક દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. યુનેસ્કોએ પણ આ દિવસને 'વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિન' તરીકે જાહેર કર્યો છે. જે લેખકો, શિક્ષકો, પ્રકાશકો, NGO વગેરે પ્રત્યે સન્માનની ભાવના ફેલાવવાનો ઉદ્દેશ્ય દર્શાવે છે. આ દિવસ દરમિયાન યુનેસ્કો આવનારા વર્ષમાં થતી પુસ્તક વાંચન સંબધિત પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. સ્પેનમાં તો 48 કલાકની 'રીડિંગ મેરાથોન' ચાલે છે. આ ઉપરાંત દર વર્ષે થીમ પણ નક્કી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે 'રીડ યોર વે'. ઈન્ટરનેટ વાળા સુપરફાસ્ટ સમયમાં આજનો યુવાન અને આવનારી પેઢી પુસ્તકોના કાગળોની મહેક અને મુદ્રિત લખાણ ભૂલી ના જાય તે માટે પણ આ વિશિષ્ટ દિવસ આપણને આ જવાબદારી સોંપે છે.
રવિન્દ્રનાથ ટાગોરે કહેલું, "આંખો સામે રહેતી વસ્તુઓના જ્ઞાન માટે પણ પુસ્તકો વાંચવા પડે છે." મન મંદિરના દ્વાર ઉઘાડવા વાંચન રૂપી ઘંટ સર્વશ્રેષ્ઠ છે. એક પુસ્તકમાં જીવન બદલવાની તાકાત છે, તે ખરું જ છે. જે બાબત મગજમાં બેસાડવા જેવી છે તે બસ એક જ કે ક્યા પ્રકારના પુસ્તકો ચબાવવા અને ક્યા પચાવવા? આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં અમુક લોકોને પોતે બુદ્ધિશાળી હોવાનો ભ્રમ પેદા થયો છે જે પૂરી દુનિયાને ભમાવી નાખે તેમ છે. બીજી તરફ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરના ક્રેઝ માં અનેક એવા બુક બ્લોગર પણ છે જે તેના હજારો ફોલોઅર્સને ક્યા લેખકના કેવા પુસ્તકો, જિંદગીના ક્યા તબક્કે વાચવા તેનું જ્ઞાન પીરસે છે. જોકે હવે તો પુસ્તકો પણ ઓનલાઇન વાંચવા મળે છે. પણ બે પૂંઠા વચ્ચેના પાનાઓને હાથમાં પકડીને વાંચવાની મજા જ કંઇક જુદી હોય છે. કોઈ સંગાથ વગર પણ એકલતા ના અનુભવવા દે તે પુસ્તક! દુનિયાના એક ખૂણે બેસી, આંખો સમક્ષ કલ્પિત સૃષ્ટિ તરી આવે તેવી અદભૂત શક્તિ ધરાવે છે પુસ્તક. બૌદ્ધિક વિકાસ સાથે માનસિક સ્થિરતા પણ વિકસાવવામાં પુસ્તકોનો મહત્વનો ફાળો છે. હમણાં થોડા સમય પહેલા અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે નિવેદન આપ્યું હતું કે અનિશ્ચિત સમય સુધી અવકાશમાં ટકી રહેવામાં જો અગત્યનું યોગદાન હોય તો તે છે ભગવદ્ ગીતા પુસ્તક! આવા તો અનેક ઉદાહરણો આસપાસના મનુષ્ય જીવનમાંથી મળી જતા હોય છે. વાંચનની આદત તો જીવનની લક્ઝરી છે. રક્ષા શાહ કહે કે, " મેં પુસ્તકને જગ્યા આપી, એણે આખી દુનિયા આપી..."
![]() | |
|

.jpeg)


Comments
Post a Comment